કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.
તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.
પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.
કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.
હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.
અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.
કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.
અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.
અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા.
રૂસ્વા’ મઝલુમી
©imran pathan
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here