*માણસ.*
આજે માણસની અંદર ક્યાંક સંતાઈ ગયો છે માણસ.
આજે માણસની અંદર ક્યાંક લપાઈ ગયો છે માણસ.
ચહેરેમહોરે લાગે છે માણસ એની ના નથી જરા પણ ,
લાલચ નામની બૂરી બલામાં એ ફસાઈ ગયો છે માણસ.
વિચાર અને વાતની બાબતમાં માનવ છે એમ જ લાગે,
આચરણની વાત મૂકોને એનાથી ભૂલાઈ ગયો છે માણસ.
પદ,પ્રતિષ્ઠાને પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે એ,
મહત્ત્વકાંક્ષાની મધલાળમાં કેવો ભરખાઈ ગયો છે માણસ.
ઈશ્વરને પણ એ માને છે, પૂજે છે આસ્તિકના મહોરાથી,
માનવતાની મૂડી ગુમાવીને જાણે કે નંખાઈ ગયો છે માણસ.
- *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.*
©ચૈતન્ય જોષી
માણસ.