ના ચીસ સાંભળી, ના *ચિત્કાર* સાંભળ્યો તે,
ઊંડાણથી કરેલો પોકાર સાંભળ્યો તે?
કણસ્યા કરી મદદની આશાકિરણ સહારે,
જો શાંત થઈ પડ્યું શબ ઉંહકાર સાંભળ્યો તે?
આઘાત પર તું ના દે આઘાત દિલને આવા,
ધરતી ઉપર થતો હાહાકાર સાંભળ્યો તે?
બ્હેરાશથી પીડાતા લોકો જરાક જાગો,
આ સ્વાર્થના સગાનો ધિક્કાર સાંભળ્યો તે?
મુદ્દા બનાવવામાં થોડી શરમ તો રાખો,
ઉપકારની ઉપર છે અપકાર સાંભળ્યો તે?
ભાળ્યો નથી છતાંયે છે હાજરી હમેંશા,
રણકે અવાજમા જે અહંકાર સાંભળ્યો તે?
અપરાધ,વાસનાનો ભોરીંગ લે છે ભરડો,
નાથ્યે જ થાય છુટકો હુંકાર સાંભળ્યો તે?
ફુંકે છે વાંસળી તો તું ચક્ર પણ ચલાવે,
આ સાદ દર્દનો છે ચિક્કાર સાંભળ્યો તે?
અદનો છું હું "ખલાસી" પણ સામનો કરીશું,
અન્યાય ની વિરુદ્ધ પડકાર સાંભળ્યો તે!
•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•
©માન ગોહિલ "ખલાસી"
(વડોદરા)
#ગઝલ #ચિત્કાર #વેદના
#Stoprape